આખરે કોણ છે આ રાજીવ કુમાર? જેમને બચાવવા મમતા બેનરજી ધરણા પર બેસી ગયા, જાણો મામલો
પશ્ચિમ બંગાળમાં ગઈ કાલ સાંજથી મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે ગયેલી સીબીઆઈની ટીમને રાજ્ય પોલીસે અટકાયતમાં લઈ લીધી.
Trending Photos
નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં ગઈ કાલ સાંજથી મોટો રાજકીય ઘટનાક્રમ સર્જાયો છે. કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. કોલકાતા પોલીસ કમિશનર રાજીવ કુમારની પૂછપરછ માટે ગયેલી સીબીઆઈની ટીમને રાજ્ય પોલીસે અટકાયતમાં લઈ લીધી. ત્યારબાદ સીબીઆઈની ટીમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. આ મામલો શારદા ચીટફંડ સાથે જોડાયેલો છે. આ મામલે જ્યારે સીબીઆઈના અધિકારીઓ રાજીવકુમારની પૂછપરછ માટે ગયા હતાં ત્યારબાદ મોટી ઉથલપાથલ જોવા મળી. કદાચ ઈતિહાસમાં પહેલીવાર એવું જોવા મળી રહ્યું છે કે પોલીસે સીબીઆઈના અધિકારીઓની અટકાયત કરી લીધી. એટલે સુધી કે આ રાજીવકુમારને બચાવવા માટે મુખ્યમંત્રી મમતા બેનરજી પોતાની આખી ટીમ સાથે મેદાનમાં પડ્યા છે અને ધરણા પર બેસી ગયા છે. તેમની સાથે રાજીવકુમાર પોતે અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ધરણા પર બેસી ગયા છે. હવે સ્વાભાવિક પણે એવું થાય કે આખરે આ રાજીવકુમાર છે કોણ. આવો તો જાણીએ તેમના વિશે.
રાજીવ કુમાર પશ્ચિમ બંગાળના 1989 બેચના આઈપીએસ ઓફિસર છે અને હાલ તેઓ કોલકાતાના પોલીસ કમિશનર છે. રાજીવકુમાર 2013માં શારદા ચીટફંડ કૌભાંડ મામલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ હતાં. રાજીવકુમાર પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરઉપયોગ કરતા કૌભાંડની દિશા અને દશા બદલી નાખી છે. કહેવાય છે કે એસઆઈટીના અધ્યક્ષ તરીકે રાજીવકુમારે જમ્મુ અને કાશ્મીરમાં શારદા પ્રમુખ સુદીપ્ત સેન અને તેમના સહયોગી દેવયાનીની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી મળેલી એક ડાયરી ગાયબ કરી હતી.
આ ડાયરીમાં તે તમામ નેતાઓના નામ સામેલ હતા તેમણે ચીટફંડ કંપની પાસેથી રૂપિયા લીધા હતાં. આ મામલે કોર્ટના આદેશ પર સીબીઆઈએ રાજીવકુમારને આરોપી બનાવ્યાં હતાં. કૌભાંડની તપાસ માટે સીબીઆઈ રાજીવકુમાર સાથે વાત કરવા નાટે લંડન સ્ટ્રિટ સ્થિત તેમના અધિકૃત નિવાસસ્થાને ગઈ હતી. સીબીઆઈની ટીમ જેવી રાજીવકુમારના ઘરે જવા લાગી કે રાજ્ય પોલીસકર્મીઓએ તેમને અંદર જતા રોક્યાં.
ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ અને બાદમાં હાથાપાઈ પણ થઈ અને ત્યારબાદ સીબીઆઈના અધિકારીઓને જબરદસ્તીથી પોલીસ સ્ટેશન લઈ જવાયા. પછી તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે પોલીસ દ્વારા સીબીઆઈના અધિકારીઓની ધરપકડ બાદ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં.
તેમણે કહ્યું કે ભાજપનો સારો સમય હવે પૂરો થઈ ગયો છે. દેશ પીએમ મોદીથી પરેશાન છે. આમ કહીને તેઓ ધરણા પર બેસી ગયાં. આખી રાત કોલકાતા મેટ્રો ચેનલ પર તેઓ ધરણા પર બેસી રહ્યાં અને હજુ પણ ધરણા ચાલુ છે. અત્રે જણાવવાનું કે સીબીઆઈએ શનિવારે દાવો કર્યો હતો કે રાજીવ કુમાર 'ફરાર' છે અને શારદ તથા રોઝવેલી ચીટ ફંડ કૌભાંડોના મામલે તેમની 'શોધ' થઈ રહી છે.
આ દાવાના એક દિવસ બાદ સીબીઆઈના લગભગ 40 અધિકારીઓ અને કર્મીઓની એક ટીમ રવિવારે સાંજે રાજીવકુમારના ઘરે પહોંચી હતી. પરંતુ તેમને બહાર જ રોકી દેવાયા. સીબીઆઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે સીબીઆઈ રોઝ વેલી અને શારદા ચીટ ફંડ કૌભાંડો મામલે રાજીવકુમારની પૂછપરછના હેતુથી તેમને શોધી રહી છે અને અંતિમ ઉપાય તરીકે પોલીસ કમિશનરની ધરપકડ પણ થઈ શકે છે.
ત્યારબાદ રાજીવકુમારે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગત દિવસે કોલકતા આવેલા ચૂંટણી પંચના અધિકારીઓની સાથે થયેલી બેઠકમાં પણ ભાગ લીધો નહતો.
શું છે ચીટ ફંડ કૌભાંડ?
પશ્ચિમ બંગાળના ખુબ જ ચર્ચિત ચીટ ફંડ કૌભાંડનો ખુલાસો 2013માં થયો હતો. કથિત રીતે 3000 કરોડ રૂપિયાનું આ કૌભાંડ છે. આરોપ છે કે શારદા ગ્રુપની કંપનીઓએ ખોટી રીતે રોકાણકારો પાસેથી પૈસા મેળવ્યાં અને તેમને પાછા આપ્યા નહીં. આ કંપનીમાં ગરીબ અને અત્યંત ગરીબ લોકોએ પણ રોકાણ કર્યું હતું. ત્યારબાદ આ કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળની સરકાર પર સવાલ ઉઠ્યા હતાં.
ચીટ ફંડ એક્ટ 1982 મુજબ ચીટ ફંડ સ્કીમનો અર્થ એવો થાય છે કે કોઈ વ્યક્તિ કે લોકોનો સમૂહ એકસાથે કરાર કરે. આ કરારમાં એક નિશ્ચિત રકમ કે કોઈ વસ્તુ એક નક્કી સમય પર હપ્તા પેટે જમા કરાવવામાં આવે અને નક્કી સમયે તેની હરાજી થાય. જો ફાયદો થાય તો બાકી લોકોમાં તેને વહેંચી દેવામાં આવે. આમા બોલી લગાવનારા વ્યક્તિએ પૈસા પરત પણ કરવાના હોય છે.
નિયમ મુજબ આ સ્કીમ કોઈ સંસ્થા કે પછી કોઈ વ્યક્તિ પરસ્પર સંબંધીઓ કે પછી મિત્રો વચ્ચે ચલાવી શકાય છે પરંતુ હવે ચીટ ફંડના સ્થાન પર સામૂહિક સાર્વજનિક જમા કે સામૂહિક રોકાણ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેનું માળખુ કઈંક એવું હોય છે કે ચીટ ફંડને સાર્વજનિક જમા યોજનાઓની જેમ ચલાવવામાં આવે છે અને કાયદાનો ઉપયોગ કૌભાંડ કરવા માટે થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે